14/08/2026
14/08/2026 :
આજરોજ દિ. ૧૪-૦૮-૨૦૨૬ ના રોજ ૮૦ મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સવારે ભુજની લાલન કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) ના ઉપક્રમે “હર હર તિરંગા” અને ‘વંદે માતરમ્’ ગીતની ૧૫૦ મી જયંતી વર્ષનાં ઉપલક્ષ્યમાં સામૂહિક પૂર્ણ વંદે માતરમ્ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અને ૪૦ જેટલા અધ્યાપકોએ ભાગ લીધો હતો.
કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડો. રમેશ વરચંદે “વિભાજનની વિભીષિકા” વિષય પર બોલતાં ૧૪ ઓગષ્ટ, ૧૯૪૭ ના ભયંકર દિવસની ઘટનાઓ વર્ણવી વિદ્યાર્થીઓને તે ઇતિહાસની હકીકતથી માહિતગાર કર્યા હતા. સંસ્કૃત વિષયના અધ્યક્ષ ડો. મેહુલ શાહે ‘વંદે માતરમ્’ ગીતનો ટૂંકો ઈતિહાસ બતાવી તે ગીતનું આઝાદીના આંદોલનમાં શું મહત્ત્વ હતું તેના પર પ્રકાશ પાડ્યો હતો. હવે આ ગીતને પણ રાષ્ટ્રગાનની સમકક્ષ દરજ્જો મળ્યો છે તથા તેનું અપમાન હવે દંડનીય અપરાધ છે તેની માહિતી પણ આપી હતી.
આચાર્યશ્રી ડો. સી.એસ. ઝાલાએ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની યુવા પેઢી ઝેન જી માટે શું અગત્ય છે તે વિષે વાત કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રધ્વજની થીમ પર વેશભૂષાની સ્પર્ધા રાખવામાં આવી હતી તથા તેમાં પ્રથમ ક્રમે આવેલા એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સાથે સાથે આ પ્રકારે તૈયાર થયેલા વિદ્યાર્થીઓના બેસ્ટ ગ્રુપ ફોટા માટે પણ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સ્વયંસેવિકા અપૂર્વા ભટ્ટ દ્વારા પૂર્ણ વંદે માતરમ્ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ પાંચ મિનિટ સુધી દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમ માટે લાવેલા રાષ્ટ્રધ્વજનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. અને તે ધ્વજ તેઓ પોતાના ઘર પર ગૌરવપૂર્ણ રીતે લગાવે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. સી.એસ. ઝાલાના માર્ગદર્શનમાં પ્રોગ્રામ ઓફિસર ડો. મેહુલ શાહ દ્વારા અને વ્યવસ્થા સહ પ્રોગ્રામ ઓફિસર ડો. રમેશ વરચંદ દ્વારા સંભાળવામાં આવી હતી. સ્વયંસેવકો અપૂર્વા ભટ્ટ, અર્ચના જેપાર, નેહા નાગડા, શીતલ પેડવા, સલીમ બાયડ, ઓવેશ ચાકી, આદિત્ય મહેશ્વરી વગેરેએ કાર્યક્રમની વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.