Info Kutch GoG

Info Kutch GoG page of district information office, Kutch, Government of Gujarat

04/09/2026

ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના હમીસર તળાવ પાસે યોજાયેલા લોકમેળા માં કચ્છ જિલ્લામાં ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી એ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સ શ્રી એમ.એમ. પટેલ તથા શ્રી એસ.બી.પટેલ ની સંયુક્ત ટીમ દ્વારા હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ૧૭ કિગ્રા બગડેલા બટાટા આશરે ૨ લિટર જેટલો ફૂડ કલર તથા ન્યૂઝ પેપરના ના જથ્થાનો સ્થળ નાશ કરાયો તેમજ તમામ પેઢીઓને ટોપી હાથ મોજા તેમજ એપરોન પહેરવાની તેમજ સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચના આપવામાં આવેલ

તંત્રની ટીમ દ્વારા કુલ ૪૯ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી આગામી દિવસોમાં પણ મેળા દરમિયાન આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુક...
04/09/2026

ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના હમીસર તળાવ પાસે યોજાયેલા લોકમેળા માં મેળાના બીજા દિવસે પણ કચ્છ જિલ્લામાં ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી એ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સ શ્રી એમ.એમ. પટેલ તથા શ્રી એસ.બી.પટેલ ની સંયુક્ત ટીમ દ્વારા હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ૨ કિગ્રા ખુલ્લા પડેલા બટાટા આશરે ૨ લિટર જેટલું પાણીપુરીનું પાણી નાશ કરાવેલ છે તેમજ તમામ પેઢીઓને તાજો ખોરાક બનાવી પીરસવાની સલાહ આપવામાં આવેલ છે તેમજ વેપાર કરતા એફ.બી.ઓ ને ટોપી હાથ મોજા તેમજ એપરોન પહેરવાની તેમજ સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચના આપવામાં આવેલ

તંત્રની ટીમ દ્વારા કુલ ૨૭ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી છે.

અખબાર યાદી વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભુજના સાતમ - આઠમના મેળામાં વ્યસન મુક્તિ માટે નાગરિકોને અપીલ કરાઇ ૦૦૦૦૦ગુ...
04/09/2026

અખબાર યાદી
વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભુજના સાતમ - આઠમના મેળામાં વ્યસન મુક્તિ માટે નાગરિકોને અપીલ કરાઇ
૦૦૦૦૦
ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ, ભુજ - કચ્છ ના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના હમીસર કાંઠે યોજવામાં આવેલ સાતમ આઠમના મેળામાં લોકોને વ્યસન મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ અને નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શ્રી શૈલેષભાઈ મારુ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઇ શાહ અને ઉપપ્રમુખ બેન શ્રી બિંદિયાબેન ઠક્કર , કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવી, દંડક બેન શ્રી રૂપલબેન ચાવડા તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પિંકલબેન પટેલ તથા ભુજ નગર પાલિકાના પદાધિકારી તથા ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.

04/09/2026

ખાસ લેખ
બદલતા વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની કાળજી: બાળકો અને વૃદ્ધો માટે વિશેષ સાવચેતી
૦૦૦૦
વાયરલ બીમારીઓથી બચવા ઘરનો ખોરાક અને રસોડાના આયુર્વેદિક ઉપાયો
૦૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
વર્તમાન સમયમાં વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. વરસાદની ઋતુમાં ભેજ વધે છે, તાપમાનમાં ઉતાર-ચઢાવ થાય છે અને હવા પ્રદૂષિત બને છે. આવા બદલતા વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની કાળજી લેવી અત્યંત જરૂરી છે. જો સમયસર સાવચેતી ન લેવાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વિવિધ બીમારીઓનો ભય વધી જાય છે.

ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સમય વધુ સંવેદનશીલ છે. બાળકોનું રોગપ્રતિકારક તંત્ર હજુ સંપૂર્ણ વિકસિત નથી હોતું, તેથી તેઓ સરળતાથી ઠંડી, ખાંસી, તાવ કે પેટની બીમારીઓનો શિકાર બની શકે છે. વૃદ્ધોમાં પણ ઉંમર સાથે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને હાડકાં, સાંધા તથા શ્વસનતંત્ર નબળા પડે છે. તેથી તેમને વધુ કાળજીની જરૂર પડે છે. બાળકોને સમયસર રસીકરણ કરાવવું, તેમને સ્વચ્છ અને ગરમ કપડાં પહેરાવવા તથા વૃદ્ધોને હળવા વ્યાયામ, પર્યાપ્ત આરામ અને પોષક આહાર આપવો અનિવાર્ય છે.

આ સમયે સૌથી મહત્ત્વનું છે ઘરનો ખોરાક ખાવું. બહારનું ખાવાનું ઘણી વાર અશુદ્ધ પાણી કે અસ્વચ્છ વાતાવરણમાં બને છે, જેનાથી પેટની બીમારીઓ, ઝાડા-ઊલટી અને ચેપી રોગો ફેલાય છે. ઘરે બનાવેલો તાજો ખોરાક સ્વાદિષ્ટ હોય છે તેમજ પોષણથી ભરપૂર હોય છે. ઘી, દૂધ, દહીં, શાકભાજી અને ધાન્યનો સમાવેશ કરીને સંતુલિત આહાર લેવાથી શરીર મજબૂત બને છે. ભોજનમાં હળવા અને સહેલાઈથી પચી જાય તેવા પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. વધુ તેલ-મસાલાવાળું કે ભારે ખોરાક ટાળવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

ઘરના રસોડાની વસ્તુઓ આયુર્વેદિક ઉપચારમાં અકસીર સાબિત થાય છે. હળદર, આદુ, તુલસી, મરી, લસણ, મધ અને લીબું જેવી સામાન્ય વસ્તુઓમાં અસાધારણ ઔષધીય ગુણ છે. હળદર અને મધનું મિશ્રણ ખાંસી-ઠંડીમાં ફાયદાકારક છે. આદુની ચા શરીરને ગરમી આપે છે અને પાચન સુધારે છે. તુલસીના પાન અને મરીનું સેવન શ્વસનતંત્રને મજબૂત બનાવે છે. લસણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ તમામ વસ્તુઓ સસ્તી, સહેલાઈથી મળી જાય તેવી અને આડઅસર વગરની છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે “રસોડું જ ઔષધાલય છે”, જે આ સમયમાં સંપૂર્ણ સાચું પડે છે.

વર્તમાન ઋતુમાં વાયરલ તાવ, ફ્લૂ, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી બીમારીઓનું પ્રમાણ વધી જાય છે. મચ્છરના કરડવાથી અને ભેજવાળા વાતાવરણથી આ રોગો ઝડપથી ફેલાય છે. તેથી વ્યક્તિગત સ્વચ્છતા, હાથ ધોવા, મોસ્કિટોનેટનો ઉપયોગ અને પીવાના પાણીની શુદ્ધતા જાળવવી જરૂરી છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પર્યાપ્ત પાણી પીવું અને રાત્રે પૂરતી નિંદ્રા લેવી પણ અનિવાર્ય છે. બદલતા વાતાવરણમાં સ્વાસ્થ્યની કાળજી એ જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનવી જોઈએ. બાળકો અને વૃદ્ધો પર વિશેષ ધ્યાન આપીને, ઘરનો ખોરાક અપનાવીને અને રસોડાની સાદી આયુર્વેદિક વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરીને આપણે વાયરલ તથા અન્ય બીમારીઓથી સરળતાથી બચી શકીએ છીએ. સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે, તેથી તેની કાળજી સમયસર લેવી જ જીવનને સુખી અને સ્વસ્થ બનાવે છે.
૦૦૦૦૦

સાફલ્ય ગાથા રગ્બી રમતમાં ગુજરાતનો ઐતિહાસિક ડંકો: કચ્છની 'નમ્રતા' ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવનાર રાજ્યની પ્રથમ ખેલાડ...
04/09/2026

સાફલ્ય ગાથા
રગ્બી રમતમાં ગુજરાતનો ઐતિહાસિક ડંકો: કચ્છની 'નમ્રતા' ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવનાર રાજ્યની પ્રથમ ખેલાડી બની
૦૦૦૦૦
ચીનમાં આયોજિત ‘Asia Rugby Emirates U-18 Sevens 2026’માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે
૦૦૦૦૦
હૈદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્કોરર રહીને ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવ્યું
૦૦૦૦
નમ્રતા વર્ષ ૨૦૨૧થી ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે મેળવી રહી હતી વિશેષ ટ્રેનિંગ
૦૦૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
ગુજરાતના રમતગમત ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. કચ્છ જિલ્લાની પ્રતિભાશાળી ખેલાડી નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-૧૮ ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી થઈ છે. આ સિદ્ધિ સાથે નમ્રતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ રગ્બી ખેલાડી બની ગઈ છે.

નમ્રતા આગામી ૫ અને ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ચીનના ક્વિંગદાઓ ખાતે યોજાનારી “Asia Rugby Emirates U-18 Sevens 2026” આંતરરાષ્ટ્રીય રગ્બી સ્પર્ધામાં ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં ઉતરશે.

કચ્છના ગ્રાસરૂટથી શરૂ થયેલી સફર ગાંધીનગર અને ગાંધીનગરથી ટીમ ઇન્ડિયા સુધી પહોંચી

વર્ષ ૨૦૧૯માં કચ્છની શાળામાં ગ્રાસરૂટ સ્તરની પસંદગી દરમિયાન કોચ શ્રી વેદાંત ધાનાણીએ નમ્રતાની પ્રતિભા ઓળખી તેને રગ્બીનું માર્ગદર્શન આપ્યું હતું. પિતા શ્રી દિનેશભાઈ ભુડિયા અને પરિવારના સતત પ્રોત્સાહન સાથે નમ્રતાએ રમત પ્રત્યે સમર્પણ દર્શાવ્યું હતું.

નમ્રતા વર્ષ ૨૦૨૧થી પાટનગર ગાંધીનગર ખાતે સ્થાયી થઈને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે કઠિન ટ્રેનિંગ મેળવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી તે ભારતીય રાષ્ટ્રીય ટીમના ટ્રેનિંગ કેમ્પનો પણ ભાગ રહી છે. આ સમગ્ર સફરમાં રગ્બી ગુજરાત એસોસિએશનના સ્થાપક અને સેક્રેટરી ડૉ. દીપ રાવલે પણ તેને સતત માર્ગદર્શન અને કોચિંગ પૂરું પાડ્યું છે.

U-18 નેશનલ્સમાં સર્વોચ્ચ સ્કોરર અને ઉત્કૃષ્ટ સુકાની

તાજેતરમાં હૈદરાબાદ ખાતે આયોજિત U-18 ઇન્ડિયન નેશનલ રગ્બી ચેમ્પિયનશિપમાં નમ્રતાએ શાનદાર રમત દાખવીને ટુર્નામેન્ટની ‘સર્વોચ્ચ સ્કોરર’ બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ સિવાય તેણે ગુજરાતની જુનિયર ગર્લ્સ અને સિનિયર વિમેન્સ રગ્બી ટીમનું સફળતાપૂર્વક કેપ્ટન તરીકે નેતૃત્વ પણ કર્યું છે.

નમ્રતાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રગ્બી ગુજરાત એસોસિએશને તેને, તેના પરિવારને તથા કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. ગાંધીનગર હેડ ઓફિસ દ્વારા નમ્રતા ભુડિયા અને સમગ્ર ભારતીય અંડર-૧૮ રગ્બી ટીમને આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેષ્ઠ પ્રદર્શન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

*જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા ભચાઉ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈને વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ...
02/09/2026

*જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા ભચાઉ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈને વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ*
૦૦૦૦
*ચીરઈ નાની, ચીરઈ મોટી અને ચોપડવા ગ્રામ પંચાયતોનું નિરીક્ષણ: પાયાની સુવિધાઓ અંગે માર્ગદર્શન આપતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી*
૦૦૦૦

આજરોજ કચ્છના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા ભચાઉ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત તેઓએ તાલુકાની ચીરઈ નાની, ચીરઈ મોટી તેમજ ચોપડવા ગ્રામ પંચાયતોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તાલુકા પંચાયત ભચાઉ ખાતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતોમાં ૧૫માં નાણાંપંચ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ અન્ય સરકારી યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ગ્રામ પંચાયત વેરા વસૂલાતની કામગીરી, ગામમાં સાફ-સફાઈની વ્યવસ્થા તથા પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરીને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

વધુમાં, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામમાં આવેલી આંગણવાડી, પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ, શિક્ષણનું સ્તર અને આરોગ્યલક્ષી સેવાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત કર્મચારીઓને કામગીરી વધુ સુદ્રઢ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
૦૦૦૦૦

31/08/2026

ખાસ લેખ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોના
વાવેતર વિશેની શ્રેણીમાં આવો જાણીએ શાકભાજી વિશે
૦૦૦૦
શાકભાજીનાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરવા
૦૦૦૦
ઝેરયુક્ત શાકભાજીના વાવેતરને તિલાંજલી
આપીને પ્રાકૃતિક ખેતીથી ઝેરમુક્ત શાકભાજીનું વાવેતર કરીએ
૦૦૦૦૦
શાકભાજીમાં જીવાત અથવા રોગ આવે તો
નીમાસ્ત્ર, બ્રમ્હાસ્ત્ર, અગ્નેયસ્ત્ર, છાસ, સોઠાસ્ત્રનો ઉપયોગ કરવો

૦૦૦૦૦

માહિતી બ્યૂરો, ભુજ

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શાકભાજીના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું.

શાકભાજીની ખેતી કેવી રીતે કરવી ?
આજકાલ આપણે જેવી રીતે ખેત પેદાશ લઈએ છીએ તે સામાન્ય રીતે સાચી નથી, કારણ કે ન તો તેમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ હોય છે કે ન તેમની સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવે છે. આજનાં શાકભાજી ઝેરયુક્ત છે. જે ઝેર શરીરમાં જમાં થાય છે અને અનેક બીમારીનું કારણ બને છે. જેમકે ડાયાબીટીઝ (મધુપ્રમેહ), કેન્સર, હદય રોગ, કે અન્ય જીવલેણ ભયંકર રોગ. આ બધાથી મુક્તિ મેળવવા માટે ઝેરમુક્ત ખેતી એક માત્ર ઉપાય છે.
ખેતીની તૈયારી :-
જ્યારે આપણે કોઈ પણ છોડને રોપીએ છીએ, તો તેમાં લીલા ખાતરનાં રૂપમાં ઢાઈચા, કઠોળ જેમ કે, ચોળા, મગ, અડદ વગેરેને માટીમાં ભેળવવામાં આવે છે અને સાથે જ ખેતીનું પસયું કરતી વખતે એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપીએ છીએ. જમીન ભરીભરી થયા પછી માટીને હલકી અને બારીક કરવી જેથી માટીમાં સારી રીતે હાર કે ચાસ બનાવી શકાય. અંતિમ વાવણી કરતી વખતે ૪૦૦ કિલો ઘન જીવામૃત નાખીને તિરાડમાં રેડવું અને પછી ઉત્તર-દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા.
બીજ સંસ્કાર :-
શાકભાજીનાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરવા. બિયારણને સંસ્કારીત કરવાથી બીજમાં સારૂં અંકુરણ આવશે અને સારા પાકનાં રૂપમાં સારૂ ઉત્પાદન મળશે. બિયારણને બીજામૃતમાં ડૂબાડવા, સામાન્ય બિયારણને ૬-૭ કલાક જયારે બીજા વિશેષ બિયારણને ૧૨- ૧૪ કલાક ડૂબાડવા, જેવા કે કારેલાના બીજ, ટીન્ડોરાના બીજને થોડા સમય બાદ કાઢવા. એમને છાયાંમાં સુકાવવા. ત્યાર બાદ બીજની વાવણી કરવી.
સાવચેતી:-
૧) જ્યારે આપણે પહેલા વર્ષે રાસાયણીક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવી એ ત્યારે આપણે એવા શાકભાજી વાવવા કે જે ઓછા રાસાયણિક ખાતરનો પ્રયોગ કરી સારું ઉત્પાદન આપતા રહે. જેમ—જેમ તમારી જમીન મજબુત થશે, તેમ વધુ રાસાયણિક ખાતરની જરૂરિયાતવાળી શાકભાજીનું પણ ઉત્પાદન લઈ શકશો. આમ આપણે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરીશું. ૨) શાકભાજીનો પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં ઢાઈચા કે દ્વિદળી, કઠોળનો પાક લેવો. ૩) ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા. ૪) એકદળી શાકભાજી સાથે દ્વિદળી શાકભાજીઓ એક સાથે વાવવી. ૫) યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.
રીત:-
• જો તમે બે છોડ વચ્ચે, ૨ ફૂટ નું અંતર રાખતા હો તો ૪ ફુટના અંતર પર, ૨.૫ ફૂટનું અંતર રાખતા હો તો પ ફુટના અંતર પર અને ૩ ફુટનું અંતર રાખતા હો તો ૬ ફુટના અંતર પર ક્યારીઓ રાખવી.
• પહોળા કયારા (બેડ)ની સપાટી પર જીવામૃત છાંટવું. એકર દીઠ ૧૦૦ કિલો દેશી છાણીયા ખાતર સાથે ૨૦-૨૫ કિલો ઘન જીવામૃત ક્યારા (બેડ)માં છાંટી અને કાષ્ટથી આચ્છાદિત કરી દેવું. કયારામાં પાણી અને પાણી સાથે જીવામૃત છોડી દેવું. બે દિવસમાં વાપસા આવી જશે. પછી કયારાનાં બંને ઢાળ પર વેલા વાળા શાકભાજી જેવા કે ટમેટા, કાકડી, તુરિયા, પેઠા, દુધી, કારેલા, તરબૂચ, ટેટી વગેરેના બીજ, બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છિદ્ર કરીને તેમાં વાવી દેવા અને માટીથી ઢાંકી દેવા.
• નાળાઓમાં પાણી અને તેની સાથે જીવામૃતને છોડી દો. બે દિવસમાં ક્યારામાં ભેજ આવી જશે. પછી નાળાના બંને પાળા ઉપર વેલા વાળા શાકભાજી જેવા કે ટામેટા, કાકડી, તુરીયા, પેઠા, કારેલા, દુધી, તરબૂચ, ટેટી એના બીજ બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છિદ્ર કરીને તેમાં નાખી દેવું અને માટીથી ઢાંકી દેવું.
• આ પાળાઓથી થોડા નીચે બંને બાજુ લોબીયાના બીજ લગાવી અને ગલગોટા રોપી દેવા. પાણી સાથે જીવામૃત આપો. ચાર - પાંચ દિવસમાં કયારામાંથી પાણી કેશાકર્ષણના લીધે ભેજ પહોળા બેડ પર ઉપર સુધી પહોંચી જશે. આચ્છાદન અને જીવામૃત, કેશાકર્ષણ શક્તિને ઝડપથી કામમાં લગાવશે. બીજ નાખ્યાના સાત દિવસ પછી પહોળા બેડની સપાટી પર પાથરેલ આવરણની વચ્ચે લોખંડના સળિયાથી છિદ્ર કરી તથા સળિયાને થોડો હલાવીને બહાર કાઢી લો, ત્યાર બાદ તે છિદ્રમાં રીંગણા, કોબીજ અથવા મરચાંનો રોપ લગાવો અથવા ભીંડો કે ગુવારનાં બીજ એ છિદ્રમાં નાખો. જમીનની અંદરના ભેજના લીધે એ બીજ છિદ્રમાંથી બહાર આપમેળે જ આવી જશે અને વિકસિત થશે. સાત થી દસ દિવસ પછી કયારા દ્વારા પાણી આપો અને એ પાણી સાથે મહિનામાં એક અથવા બે વાર જીવામૃત પણ આપો. મહિનામાં એક બે વાર બધા છોડ પર જીવામૃતનો ૫ થી ૧૦ ટકા સુધી છંટકાવ કરવો. વરસાદની ઋતુમાં સિંચાઈની જરૂરીયાત ન હોય ત્યારે થોડા થોડા જીવામૃત સીધા જમીનની સપાટી પર છોડની પાસે નાખો. જેમ- જેમ નાળામાં લગાવેલ શાકભાજીઓના વેલા વધે તેમ તેમ પહોળા ક્યારા પર પાથરેલ આચ્છાદન ઉપર ચઢાવી દો. ગલગોટા અને લોબીયા સાથે-સાથે વધશે. આવરણ અને જીવામૃત બંનેનાં પ્રભાવથી અળસિયા આપો આપ કાર્યરત થઈ જશે અને એમની મળ/વિષ્ઠાનાં માધ્યમથી બધા પ્રકારના છોડવાઓનો અન્ન ભંડાર ખોલી દેશે. લોબીયા હવામાંથી જેટલી જરૂર હોય તેટલો નાઈટ્રોજન લેશે અને શાકભાજીઓને આપશે. લોબીયા અને ગલગોટા પર મિત્ર કીટક આવીને વસવાટ કરશે અને નુકશાન પહોચાડનાર કિટકોનું નિયંત્રણ કરશે. લોબિયા અને ગલગોટા તેમની તરફ ઘણી મધમાખીઓ આકર્ષિત કરશે અને તેના લીધે શાકભાજીમાં પરાગનયન થઈ જશે. સાથે-સાથે ગલગોટા અને લોબીયા આપણને પૈસા પણ અપાવશે. ગલગોટા, શાકભાજીના મૂળ પર રહીને તેનો રસ ચૂસતા નેમાટોડનું નિયંત્રણ કરશે. બેડ પર રોપાયેલા ફળ- શાકભાજીનાં છોડ શાકભાજીના વેલાઓને જરૂરી છાયો આપશે, હવાને શોષીને પાંદડાઓની ખોરાક ઉત્પાદન ક્ષમતાને વેગ આપશે. જમીનને ફળદ્રુપ બનાવશે અને આપણને ઉત્પાદન પણ આપશે. શાકભાજીઓના વેલા જ્યારે કાષ્ટ આચ્છાદન પર પથરાશે ત્યારે શાકભાજીનાં ફળો આચ્છાદન ઉપર રહેશે, એને માટી લાગશે નહી અને માટીનાં સંપર્કથી ખરાબ પણ થશે નહિ.
• જો ત્યાં કોઈ જીવાત અથવા રોગ આવે તો નીમાસ્ત્ર, બ્રમ્હાસ્ત્ર, અગ્નેયસ્ત્ર, છાસ, સોઠાસ્ત્રનો ઉપયોગ કરવો. નિંદણને દૂર કરવું. આચ્છાદનને કારણે બેડ પર નિંદણ આવશે નહિ. માત્ર ક્યારા દ્વારા પાણી આપવાનું અને જમીન આવરણથી ઢાંકેલ હોવાથી ૯૦% સિંચાઈના પાણીની બચત થશે. એટલી જ બચત વીજળી અને મજૂરીની થશે.
• અહી જે સહયોગી પાકોના નામ આપેલા છે તે બધા સહજીવી છે અને તેઓ વધવાની સાથે એકબીજાને સહયોગ આપે છે. દશેરા, દિવાળીના પર્વ નિમિતે ગલગોટાનાં ફૂલો વેચવા માટે મળી જશે. સાથે સાથે લોબીયાની લીલી શીંગો તમને શરૂઆતથી જ પૈસા આપવાનું ચાલુ રાખશે. ક્યારાની વચ્ચે લગાવેલ ફળ-શાકભાજીનાં છોડવા અને મુખ્ય શાકભાજીના વેલા તમને અંત સુધી પૈસા આપશે. જો તમે જીવામૃતનો યોગ્ય રીતે ઊપયોગ કરશો તો તમને કોઈ જંતુથી નુકશાન થશે નહિ અને એટલા ફળો આપશે કે તમે તોડી નહિ શકો. એ વાસ્તવિક્તા છે કે તમારી શાકભાજી ઝેરમુક્ત અને સંપૂર્ણ પોષણથી ભરેલી હશે. દવા અને અમૃત હશે. યાર્ડમાં તમે એક બેનર લગાવો “બીનઝેરી કુદરતી શાકભાજી ખાઓ અને કેન્સર જેવા રોગોથી મુક્તિ પામો”. આનાથી તમને ડબલ ભાવ મળશે.
જીવામૃતનો ઉપયોગ :-
૧) વાવેતર પછી એક એકર જમીનમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો.
૨) મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો, જ્યાં સુધી પાક ચાલુ રહે.
૩) શાકભાજીના એક પાકમાં લગભગ ૬ વાર પાણીની સાથે જીવામૃત આપવાની જરૂર પડે છે. પરંતુ પાક પીળો પડે ત્યારે ૧૦% ગૌમૂત્રનો છંટકાવ કરવો. જીવામૃતનો છંટકાવનાં રૂપમાં પ્રયોગ – એક એકર જમીનમાં

પ્રથમ છંટકાવ :-વાવેતરનાં એક મહિના પછી પ લીટર જીવામૃતને ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. બીજો છંટકાવ :- પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લીટર જીવામૃતને ૧૨૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. ત્રીજો છંટકાવ:- બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.ચોથો છંટકાવ:-ત્રીજા છંટકાવનાં ૨૧ દિવસ પછી ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. પાંચમો છંટકાવ :-ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. છઠ્ઠો છંટકાવ:- પાંચમાં છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.

ક્રીટ અને રોગ
જ્યારે પણ આપણા શાકભાજી પર કોઈ પણ જંતુ લાગી જાય ત્યારે આપણે નીચે મુજબની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. (ક) ચુસીયા પ્રકાની જીવાતઃ ચુસિયા પ્રકારની જીવાત માટે નિમ્બાસ્ત્રનો ઉપયોગ કરો.(ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. ૧૫૦૦ પીપીએમ લીમડાનાં તેલની માત્રા ૨ મિલીલીટર દીઠ પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો. (ગ) કૃમિ (સુંડી) : ૩ લીટર બ્રમ્હાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો. (ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે: ૩ લીટર અગ્ન્યાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. (ચ) ફૂગના રોગ: ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતી રોગોના નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે 'બેક ટુ બેઝિક'ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.

૦૦૦૦૦

31/08/2026

ખાસ લેખ
મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત
૦૦૦૦૦
મેદસ્વિતા પર અંકુશ રાખવા માટે મિલેટ્સ છે શ્રેષ્ઠ વિકલ્પ
૦૦૦૦૦
બાજરી અને જુવાર એન્ટી ઑકિસડન્ટ, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વોથી ભરપૂર : આ ધાન્યો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ
આજે દુનિયા જેટલી ઝડપી અને આધુનિક થઈ રહી છે તેટલી જ પાયાની બાબતો તરફ ફરી ગતિ કરી રહી છે. એટલે કે બેક ટુ બેઝિક... આપણાં મૂળ સાથે પુન: જોડાણ થઈ રહ્યું છે. આપણાં જીવનમાં મિલેટ્સનું મહત્વ હોય કે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ..આપણી જીવન શૈલીનો આપણાં આરોગ્ય સાથે સીધો સંબંધ છે. તમામ વ્યક્તિઓ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વસ્થતાનો આ દરેક નાગરિક સુધી પહોંચે એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાનને અનુસંધાને રાજ્ય સરકારશ્રી દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત” ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આપણે ત્યાં કહેવાય છે ને કે જેવું અન્ન એવું મન.અયોગ્ય આહારને પણ મેદસ્વીતાના મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવે છે. વાંચક મિત્રો, શું આપને ખ્યાલ મેદસ્વિતાને નાથવા માટે મિલેટ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે!. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે પોષક તત્વો અને ઉર્જાથી ભરપૂર આ પ્રાચીન અનાજના મહત્વને વિશ્વએ જાણ્યું છે. અને તેને “શ્રીઅન્ન”થી ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે રાજ્યના ખેડૂતો મિલેટ ધાન્યોના ઉત્પાદન કરવા પ્રેરાય રહ્યા છે.

ધાન્યોને સુપરફૂડ માનવામાં આવે છે. મિલેટ્સમાં જુવાર, બાજરી, રાગી, કોડો, કુટકી, કંગની, ચેના, સાંવા વગેરેનો સમાવેશ થાય છે. આ ધાન્યો અસંખ્ય સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે
બાજરી અને જુવારમાં ભરપૂર માત્રામાં આયર્ન છે. જે શરીરનો થાક રોકવા અને તંદુરસ્ત રક્ત પરિભ્રમણ જાળવવા માટે આવશ્યક છે. મિલેટ્સ B-વિટામિન્સથી સમૃદ્ધ છે, જે ઉર્જા સ્તરને વધારવામાં મદદ કરે છે. બાજરી અને જુવાર બંનેમાં ડાયેટરી ફાઇબર વધુ હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને તંદુરસ્ત કરે છે. બાજરી અને જુવાર બંને એન્ટી ઑકિસડન્ટ, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ ધાન્યો ધીમી-પાચન પ્રકૃતિ પણ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે હિતકારી છે.
જુવાર અને બાજરી કેલ્શિયમના સારા સ્ત્રોત હોવાથી, આ શ્રીઅન્નનું સેવન કરવાથી હાડકાના સ્વાસ્થ્યને ટેકો મળે છે. આ અનાજ કુદરતી રીતે ગરમ તાસીર ધરાવે છે, જે આંતરિક ગરમી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ત્યારે સ્વસ્થ, મજબૂત અને ઊર્જાવાન રહેવા માટે આ પ્રાચીન અનાજને અપનાવો અને રહો તાજામાજા- મેદસ્વિતાથી મુક્ત!
0000000

31/08/2026

અખબાર યાદી
કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગની સઘન કામગીરી

૦૦૦૦૦૦
ભુજ: કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (CHPV) સામે સાવચેતી અને રોગચાળો અટકાવવાના હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, વેક્ટર કંટ્રોલ અને અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં જ જિલ્લા રોગચાળા નિયંત્રણ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

કેસ નોંધાયેલા બાળકના રહેણાંક વિસ્તારને કેન્દ્રમાં રાખીને આસપાસના ૫૦૦ મીટરની ત્રિજ્યામાં સઘન ડસ્ટિંગ અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના સંભવિત વાહક **સેન્ડ ફ્લાય (રેતીની માખી)**ના નિયંત્રણ માટે જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સતત મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ કામગીરી અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અત્યાર સુધીમાં 883 ઘરોની મુલાકાત લઈ કુલ 3,480ની વસ્તીને આવરી લેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં ઘર-ઘર સર્વેલન્સ હાથ ધરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે તેમજ જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ચાંદીપુરા વાયરસના સંભવિત વાહક અંગેની સ્થિતિ જાણવા માટે રાજકોટથી ખાસ બોલાવવામાં આવેલી એન્ટમોલોજીકલ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ટીમ દ્વારા સેન્ડ ફ્લાય તથા અન્ય વેક્ટરના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને વધુ લેબોરેટરી પરીક્ષણ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત, અદાણી મેડિકલ કોલેજની તબીબી ટીમ દ્વારા અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાયેલા દર્દીઓના રહેણાંક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. ટીમ દ્વારા દર્દીઓ તથા તેમના પરિવારજનો પાસેથી જરૂરી માહિતી મેળવી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચાંદીપુરા વાયરસના સંભવિત લક્ષણો, જરૂરી તકેદારી, સ્વચ્છતા તથા વેક્ટર નિયંત્રણ અંગે પણ સમજ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરીને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ કેસો નોંધાયા છે. તેમાંથી 7 કેસના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. હાલમાં 3 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તબીબી સારવાર તથા દેખરેખ હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસો અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

હોસ્પિટલોમાં આગોતરી સજ્જતા

ચાંદીપુરા વાયરસની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોને જરૂરી સજ્જતા સાથે તૈયાર રાખવામાં આવ્યા છે. જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ તેમજ તમામ તાલુકા કક્ષાની હોસ્પિટલો ખાતે વ્યવસ્થા અને વેન્ટિલેટર સજ્જ પથારીઓ અનામત રાખવામાં આવી છે. જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તબીબી સ્ટાફ અને જરૂરી સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.

જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) તથા અન્ય આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી દવાઓ, જીવનરક્ષક સાધનો અને આરોગ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓને ચાંદીપુરા વાયરસના સંભવિત લક્ષણો ધરાવતા દર્દીઓ અંગે તકેદારી રાખવા તેમજ શંકાસ્પદ કેસની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

વાલીઓ અને નાગરિકોને તકેદારી રાખવા અપીલ

આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓ અને નાગરિકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. નાના બાળકોને કાચા મકાનો, માટીની ભીંતો, ઝાડી-ઝાંખરા તથા રેતીવાળી જગ્યાઓમાં રમતી વખતે આખી બાંયના કપડાં પહેરાવવા અને શક્ય હોય ત્યાં સુધી આવી જગ્યાઓથી દૂર રાખવા સલાહ આપવામાં આવી છે.

ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી, કચરો તથા ગંદકી દૂર રાખવી અને માખી-મચ્છર તથા અન્ય વેક્ટરનો ઉપદ્રવ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા પણ અપીલ કરવામાં આવી છે.

બાળકને તીવ્ર તાવ, ઉલટી, ચક્કર આવવા, ખેંચ આવવી, અસામાન્ય સુસ્તી અથવા વર્તનમાં અચાનક ફેરફાર જેવા લક્ષણો જણાય તો કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, બાળકોના સ્વાસ્થ્ય અંગે કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો સમયસર તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે.

કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે સર્વેલન્સ, વેક્ટર કંટ્રોલ, કેસ ટ્રેકિંગ, તબીબી સારવાર અને જનજાગૃતિ સહિતની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકો આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવે છે.

Address

Jilla Mahiti Bhavan, Near Swaminarayan Mandir
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Info Kutch GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Kutch GoG:

Shortcuts

Share