Pustak PARAB Manavadar

Pustak PARAB Manavadar we are managing a public service for free books for reading. we are also a part of matrubhasha abhiyan ahmedabad .

first sunday of every month, we arrange about 4000 books of literature, general knowledge, religious, motivational and sories.

06/06/2024

પુસ્તક પરબ માણાવદર. તા. 02/06/2024

24/05/2024

*પુસ્તક પરબ માણાવદર દ્વારા "મોર્નિંગ મંત્ર" - 2 માટે આપના દ્વારા લિખિત લઘુ વાર્તા 8238062623 પર મોકલશો.*

*પસંદ કરાયેલ વાર્તાઓ આપના નામ સાથે પુસ્તક પરબ માણાવદરની યુ ટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવશે.*

*દીર્ઘ દ્રષ્ટા, સમાજ સેવક અને આજીવન સેવાના ભેખધારી સ્વ. ડૉ. એલ. પી. સવસાણી સાહેબને ભાવપૂર્ણ  શ્રદ્ધાંજલિ*સમગ્ર માણાવદર પ...
01/05/2022

*દીર્ઘ દ્રષ્ટા, સમાજ સેવક અને આજીવન સેવાના ભેખધારી સ્વ. ડૉ. એલ. પી. સવસાણી સાહેબને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ*

સમગ્ર માણાવદર પંથકમાં અડધી સદી ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે સતત પ્રવૃત્ત રહેલાં સ્વ. ડૉ. એલ. પી. સવસાણી સાહેબની 91 વર્ષની વયે વિદાયથી આ પંથકે એક મૂક સમાજ સેવક ગુમાવ્યાનો વસવસો છે. તેમની વિદાયથી સમાજને ક્યારેય ન પૂરી શકનારી ખોટ હમેશ સાલશે. જૂની પેઢીના કવચિત આ અંતિમ પાયાના પથ્થરે આપણી વચ્ચેથી તા. 28/04/2022 ના રોજ વિદાય લઈ પંચમહાભૂતમાં વિલીન થયા છે, ત્યારે આપણે સૌ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ.

ઇ.સ. 1930/31 માં જન્મેલા સવસાણી સાહેબે આઝાદી પહેલાંનો ખાસ્સો સમય પોતાની આંખે નિહાળેલો. પ્રાથમિક માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરી વધુ અભ્યાસ અર્થે તેઓ મુંબઈ ગયેલા. ડૉક્ટર બન્યા પછી આજીવન માણાવદર પંથક માટે સમર્પિત રહ્યા. માણાવદર શહેરની વચાળે ગાંધીચોકમાં તેમનું નિવાસ અને કર્મભૂમિ પણ ત્યાંજ. જૂના સમયમાં માણાવદર ખાતે ડોકટરની પ્રેક્ટિસ કરતાં ડૉ. નરભેરામભાઈ જોશી બાદ એક માત્ર ડૉ. સવસાણી સાહેબ હતા. સાચા અર્થમાં સમાજ સેવાનો મક્કમ નિર્ધાર કરી સમાજના દરેક વર્ગો ખાસ કરીને ગરીબ ગુરબાઓની સારવારના તેઓ બેલી બન્યા. એટલું જ નહીં માણાવદર પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એ સમયે તો વાહનોની કોઈ સુવિધા નહોતી ત્યારે તેઓ ઘોડેસવારી દ્વારા ગામડે પહોંચતા અને ત્યાં દર્દીઓની સારવાર કરતાં. તેમના ક્લિનિક પર આવેલ કોઈ પણ દર્દી સારવાર વગર ક્યારેય પરત ફર્યા હોય એવો કોઈ દાખલો નથી.

સ્વભાવે બિલકુલ શાંત અને સરળ, મિતભાષી એવા સવસાણી સાહેબની સેવાની સુગંધ જેમ જેમ પ્રસરવા લાગી તેમ તેમ તેમની સમાજ પ્રત્યેની સાચા અર્થમાં સેવા વધતી ગઈ.

સમાજના ઉત્કર્ષ માટે આરોગ્યની સાથે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે એ તથ્યને માત્ર સ્વીકારીને નહિ પણ તેમણે અમલમાં મૂકી બતાવ્યો. જેના પરિણામ સ્વરૂપે તેમના સઘન પ્રયત્નોથી માણાવદર ખાતે ઇસ. 1967 માં લાયન્સ ક્લબ માણાવદરની સ્થાપના થઇ. જેના પાયાના પથ્થર તરીકે ડૉ. એલ. કે. પંચોલી સાહેબ, ડૉ. સવસાણી સાહેબ, ડૉ. વી.ડી. પટેલ, શ્રી નાનુભાઈ જસાણી તથા અન્ય સેવાભાવી લોકો હતાં. ત્યાર બાદ ડૉ. રોજીવાડિયા, ડૉ. પરીખ , ડૉ. તન્ના સાહેબ, ડૉ. પંકજભાઈ જોશી વગેરે અનુગામી તરીકે લાયન્સ ક્લબ માણાવદર સાથે ક્રમશઃ જોડાતાં ગયા. ઉપરાંત તુલસીદાસભાઈ , પ્રભુદાસભાઈ ગાથા જેવા નામી અનામી અસંખ્ય સેવાભાવી મિત્રોના સહકારથી આ સંસ્થા એક વટવૃક્ષ તરીકે વિકસતી ગઈ.

અહીંથી આરોગ્ય અને શિક્ષણની વિધિવત શરૂઆત થઈ. લાયન્સ ક્લબ માણાવદર દ્વારા થતી અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી સર્વ રોગ નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વગેરે કૅમ્પ નિયમિત રીતે યોજાવાની શરૂઆત થઈ, જે આજે પણ એ જ રીતે કાર્યરત છે. છેલ્લા 55 વર્ષોમાં આશરે 500 થી વધુ કેમ્પો યોજીને ગામડે ગામડે સેવાની મહેક પ્રસરાવવાનું શ્રેય લાયન્સ ક્લબ માણાવદરને ફાળે જાય છે. ડૉ. સવસાણી સાહેબ આજીવન લાયન્સ ક્લબ માણાવદર સાથે સમર્પિત રહયા અને ડિસ્ટ્રીકટ ગવર્નર પણ બન્યા. અહીં વિશેષ ઉલ્લેખ એ કરી શકાય કે ડિસ્ટ્રીકટ ગવર્નરની પસંદગીમાં જે તે વર્ષે તેઓ બિનહરીફ ચૂંટાયેલા.

એ સમયે આંખના મોતિયાના ઓપરેશન માટે સરકારી હોસ્પિટલ માણાવદર ખાતે જ નિદાન થતું અને મોતિયાના ઓપરેશન પણ માણાવદર ખાતે જ થતાં. સ્વયં ડૉ. અર્ધવ્યુ સાહેબ અહીં ઓપરેશન માટે આવતાં. ત્યાર બાદ એક અઠવાડિયા સુધી દર્દીને હોસ્પિટલ સામે આવેલી જૂની કન્યાશાળા ખાતે રાખવામાં આવતાં. ઓપરેશનથી લઈને સાત દિવસના રોકાણ સુધીનો એક પણ ખર્ચ દર્દીએ ચૂકવવાનો રહેતો નહિ. આ સમયગાળો એટલે 1975 થી 1980 નો. સમગ્ર કેમ્પના સુંદર અને સફળ સંચાલન માટે ડૉ. સવસાણી સાહેબ અને તેમની ટીમ સતત કાર્યરત રહેતી. આ પ્રકારના વિવિધ કેમ્પ થકી હજારો દર્દીઓએ વિના મૂલ્યે ઉત્કૃષ્ટ સારવાર મેળવી છે.

આરોગ્યની સાથે શિક્ષણના મહત્વને ચરિતાર્થ કરવા લાયન્સ ક્લબ માણાવદર દ્વારા પછીના વર્ષોમાં લાયન્સ સ્કૂલની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં નાનું સંકુલ અને પ્રાથમિક ધોરણો અને ત્યાર બાદ આ સંસ્થા માણાવદર ખાતે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી વિકાસ પામી. માણાવદરની તાલુકાશાળા તથા સરકારી હાઈસ્કૂલને બાદ કરતાં તે સમયે અન્ય કોઈ પણ શાળાઓ આ પંથકમાં કાર્યરત નહોતી, એ સમયે લાયન્સ સ્કૂલ દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાની શરૂઆત થઈ, જે આજે પણ એ જ ઉત્સાહથી કાર્યરત છે. સ્વ. ડૉ. સવસાણી સાહેબ આજીવન લાયન્સ સ્કુલના સક્રિય ટ્રસ્ટી રહ્યા. એ સમયે કન્યા કેળવણીને ખાસ પ્રોત્સાહનની આવશ્યકતા હતી, ત્યારે બહેનો માટે લાયન્સ સ્કુલ માણાવદર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. પરિણામ સ્વરૂપે અસંખ્ય બહેનોએ અહીંથી ઉચ્ચ માધ્યમિક સુધી વિના મૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કર્યું. અસંખ્ય વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે. સ્વ. ડૉ. સવસાણી સાહેબની દીર્ઘ દ્રષ્ટિ, મક્કમ નિર્ધાર અને અડગ નિશ્ચયથી સમગ્ર પંથકને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. લાયન્સ સ્કુલના દરેક કાર્યક્રમોમાં , રાષ્ટ્રીય પર્વો દરમિયાન ડૉ. સવસાણી સાહેબ નિયમિત રીતે બિનચૂક હાજરી આપતાં. દિવસનો મોટા ભાગનો સમય તેમના ક્લિનિક પર દર્દીઓને તપાસવામાં, કેમ્પના આયોજનમાં તેમજ શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ માટેના આયોજનમાં જ પસાર થતો.

આકાશવાણી રાજકોટ દ્વારા ડૉ. સવસાણી સાહેબના અસંખ્ય સંવાદોનું પ્રસારણ પણ થયેલું. આજીવન સેવાના આ ભેખધારીએ તેમનું સમગ્ર જીવન સમાજસેવાને અર્પણ કર્યું.

થોડાં સમયથી વધતી વયને કારણે તેઓ ક્લિનિક પર કે અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી ન શક્યા, પરંતુ તેમના દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા સફળ પ્રયાસોનું સમગ્ર માણાવદર પંથક આજીવન ઋણી રહેશે.

ૐ શાંતિ શાંતિ.....

*(ટીમ પુસ્તક પરબ માણાવદર.. વતી ઈમ્તિયાઝ કાઝી.)*
તા. ૦૧/૦૫/૨૦૨૨

20/11/2020

*જ્ઞાન રતન ધન પાયો* 2⃣

*📚 મહાનુભાવોના ઉપનામ 📚*

*💁🏼‍♂ગાંધીજી*
👉રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત

*💁🏼‍♂સરદાર વલ્લભભાઈ પટેલ*
👉સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક

*‎💁🏼‍♂મોહંમદ બેગડો*
👉 ગુજરાતનો અકબર

*💁🏼‍♂ડૉ. ચંદુલાલ દેસાઈ*
👉 છોટે સરદાર

*💁🏼‍♂જમશેદજી તાતા*
👉ભારતીય ઉદ્યોગ ના પિતામહ

*💁🏼‍♂વર્ગીસ કુરિયન*
👉શ્વેતક્રાંતિના જનક

*‎💁🏼‍♂ડૉ. હોમી ભાભા*
👉અણુશક્તિના પિતામહ

*‎💁🏼‍♂જામ રણજીતસિંહજી*
👉ક્રિકેટનો જાદુગર

*💁🏼‍♂પુષ્પાબહેન મહેતા*
👉 મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી

‎ *💁🏼‍♂ગણેશ વાસુદેવ માવળંકર*
👉ભારતની સંસદ ના પિતા

*‎💁🏼‍♂કુમારપાળ*
👉ગુજરાતનો અશોક

‎ *💁🏼‍♂ગિજુભાઈ બધેકા*
👉બાળકોની મુછાળી મા

*💁🏼‍♂શ્રીમદ રાજચંદ્ર*
👉 સાક્ષાત સરસ્વતી

*💁🏼‍♂નરસિંહ મહેતા*
👉આદિ કવિ

*💁🏼‍♂મીરાબાઈ*
👉 દાસી જનમ જનમની

*💁🏼‍♂અખો* 👉જ્ઞાન નો વડલો

*‎💁🏼‍♂નર્મદ*
👉નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક

*💁🏼‍♂ઝવેરચંદ મેઘાણી*
👉રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક

*💁🏼‍♂પ્રેમાનંદ* 👉મહાકવિ

*💁🏼‍♂ઉમાશંકર જોશી*
👉વિશ્વશાંતિનો કવિ

*💁🏼‍♂પન્નાલાલ પટેલ*
👉સાહિત્યજગતનો ચમત્કાર

*💁🏼‍♂ન્હાનાલાલ* 👉કવિવર

*💁🏼‍♂કલાપી*
👉સૂરતાની વાડીનો મીઠો મોરલો

*💁🏼‍♂ગોવર્ધનરામ ત્રિપાઠી*
👉પંડિતયુગના પુરોધા

*💁🏼‍♂આનંદશંકર ધ્રુવ*
👉પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

*‎💁🏼‍♂ચુનીલાલ આશારામ ભગત*
👉પૂજ્ય મોટા

*💁🏼‍♂રવિશંકર રાવળ*
👉કલાગુરુ

*💁🏼‍♂‎રવિશંકર મહારાજ*
👉કળિયુગના રૂષી, મૂકસેવક

*💁🏼‍♂નરસિંહરાવ દિવેટિયા*
👉સાહિત્ય દિવાકર

*💁🏼‍♂મોહનલાલ પંડ્યા*
👉ડુંગળીચોર

*💁🏼‍♂‎ઈન્દુલાલ યાજ્ઞિક*
👉અમીર શહેરના ગરીબ ફકીર

*💁🏼‍♂મોતીભાઈ અમીન*
👉ચરોતરનું મોતી

*💁🏼‍♂રણજિતરામ વાવાભાઇ મહેતા*
👉ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક

*💁🏼‍♂હેમચંદ્રાચાર્ય* 👉કલિકાલ સર્વજ્ઞ

*‎💁🏼‍♂અખંડાનંદ* 👉જ્ઞાનની પરબ

*💁🏼‍♂કસ્તુરભાઈ લાલભાઈ*
👉શીલભદ્ર ,શ્રેષ્ઠી

*💁🏼‍♂પંડિત સુખલાલજી*
👉 પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

*‎💁🏼‍♂ફર્દુનજી મર્જબાન*
👉ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ

*💁🏼‍♂એલેકઝાન્ડર ફાર્બસ*
👉લોકાભિમુખ રાજપુરુષ

*💁🏼‍♂જમશેદજી જીજીભાઈ*
👉 હિન્દના હાતિભાઈ

18/11/2020

*જ્ઞાન રતન ધન પાયો* 1⃣

*ગુજરાતી સાહિત્ય*

🌹 *કૉનું શું વખણાય ?* 🌹

👨🏻‍🏫 મીરા બાઈ ➖ *પદો*

👨🏻‍🏫 નરસિંહ મહેતા ➖ *પ્રભાતિયા*

👨🏻‍🏫 દામોદર બોટાદકર ➖ *રસો*

👨🏻‍🏫 કવિ ધીરો ➖ *કાફી*

👨🏻‍🏫 ભોજા ભગત ➖ *ચાબખા*

👨🏻‍🏫 નાન્હાલાલ➖ *ડોલનશૈલી, ઊર્મિકાવ્ય*

👨🏻‍🏫 અખો ➖ *છપ્પા*

👨🏻‍🏫 શામળ ➖ *છપ્પા,પદ્યવાર્તા*

👨🏻‍🏫 બળવંતરાય ઠાકોર ➖ *સોનેટ*

👨🏻‍🏫 વલ્લભ ભટ્ટ ➖ *ગરબા*

👨🏻‍🏫 દયારામ ➖ *ગરબી*

👨🏻‍🏫 કવિ કાન્ત ➖ *ખંડ કાવ્ય*

👨🏻‍🏫 કલાપી ➖ *ખંડ કાવ્ય [કેકારો]*

👨🏻‍🏫 પ્રેમાનંદ ➖ *આખ્યાન*

👨🏻‍🏫 ભાલણ ➖ *આખ્ચાનનાં પિતા*

👨🏻‍🏫 ઝવેરચંદ મેઘાણી ➖ *લોકસાહિત્ય*

👨🏻‍🏫 ધૂમકેતુ ➖ *નવલિકા [ટૂંકીવાર્તા]*

👨🏻‍🏫 ગિજુભાઇ બધેકા ➖ *બાળ સાહિત્ય*

👨🏻‍🏫 નર્મદ ➖ *ગદ્ય*

👨🏻‍🏫 જ્યોતીન્દ્રે દવે ➖ *હાસ્ય સાહિત્ય*

👨🏻‍🏫 પિંગળશી ગઢવી ➖ *લોકવાર્તા*

👨🏻‍🏫 કાલેલકર ➖ *નિબંધ,પદ્ય નાટક*

👨🏻‍🏫 ગુણવંતરાય આચાર્ય ➖ *દરિયાઈ નવલકથા*

👨🏻‍🏫 અમૃત ઘાયલ ➖ *ગઝલ*

👨🏻‍🏫 નરસિંહરાવ દિવેટિયા ➖ *એકાંકી*

👨🏻‍🏫 અસાઇત ઠાકર ➖ *ભવાઈ*

👨🏻‍🏫 મહાદેવભાઇ દેસાઈ ➖ *ડાયરી સાહિત્ય*

👨🏻‍🏫 ક.મા મુનશી ➖ *ઐતિહાસિક નવલકથા*

👨🏻‍🏫 મોહન પટેલ ➖ *લઘુક્થા*

19/05/2020

પોતાના સ્વરથી સમગ્ર વિશ્વને ઘેલું લગાડનાર અને લોક સાહિત્ય, ગઝલ કવ્વાલીમાં તેમના વિશિષ્ટ પ્રયોગોથી નાઝીર જેવા ઘણ....

18/05/2020

# સારસ્વત યાત્રા # |પ્રથમ માળા | # મણકો - 1 # |LIBRARY | PRIMARY SCHOOL| # જ્ઞાનપુંજ શેરી પુસ્તકાલય # સાહિત્ય સભા # લેખન # હેંગીંગ લાયબ્રેરી #

17/05/2020

*રમેશ પારેખ*

ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા. વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું.

જીવન
રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા પ્રિતની દુનિયા ચાંદની વાર્તાના સામાયિકમાં તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી. ૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાંકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા. ૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. ૧૯૬૨ સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ૧૯૬૭માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. ૧૯૬૮માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓ સાહિત્યના વિવિધ સામાયિકોમાં પ્રગટ થવાની શરૂઆત થઇ. ૧૯૮૮માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. ૧૯૯૭માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા. ૧૭ મે ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

સર્જન
રમેશ પારેખ તેમના ગીતો માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સોનલ સૌથી વધુ જાણીતા છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યાં (૧૯૭૦) ની પ્રશંસા થઇ હતી. ખડિંગ (૧૯૭૯) તેમનો બીજો કાવ્ય સંગ્રહ છે જેણે અનેક પુરસ્કારો મળ્યા હતા. તેમના અન્ય કાવ્ય સંગ્રહો; ત્વ (૧૯૮૦), સનનન (૧૯૮૧), ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫), મીરાં સામે પાર (૧૯૮૬) અને વિતાન સુદ બીજ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ છ અક્ષરનું નામ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઇ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઇ હતી. લે, તિમિર! સૂર્ય (૧૯૯૫), છાતીમાં બારસાખ (૧૯૯૮‌), ચશ્માંના કાચ પર (૧૯૯૯) અને સ્વગતપર્વ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. કાલ સાચવજે પગલા (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે.

સ્તનપૂર્વક (૧૯૮૩) તેમનો વાર્તા સંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં સગપણ એક ઉખાણું (૧૯૯૨), સૂરજને પડછાયો હોય (૨૦૦૨) અને રમૂજી નાટક તરખાટનો સમાવેશ થાય છે. તેમના નિબંધ સંગ્રહો હોંકારો આપો તો કહું (૧૯૯૪), ચાલો એકબીજાને ગમીએ (૨૦૦૧), સર્જકના શબ્દને સલામ (૨૦૦૨) છે. તેમણે ગિરા નદીને તીર (૧૯૮૯) કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે! (૧૯૮૯) ગઝલ સંગ્રહનું સંપાદન કર્યું હતું.

બાળ સાહિત્યમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમના બાળ કવિતા સંગ્રહો હાઉક (૧૯૭૯), ચીં (૧૯૮૦), દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા (૧૯૮૮, સચિત્ર), ચપટી વગાડતા આવડી ગઇ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તા સંગ્રહો હફરફ લફરફ (૧૯૮૬), દે તાલ્લી (૧૯૭૯), ગોર અને ચોર (૧૯૮૦), કુવામા પાણીનું ઝાડ (૧૯૮૬) અને જંતર મંતર છુ (૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ જાદુઇ દીવો અને અજબ ગજબનો ખજાનો છે.

પારિતોષિકો
૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મીરા સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો. તેમના કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના સમગ્ર સર્જન તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો. ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો.

૧૯૮૨-૮૩માં નસીબની બલિહારી ચલચિત્ર અને ૧૯૯૩-૯૪માં માનવીની ભવાઇ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો.

અંગત જીવન
૧૯૭૨માં તેમના લગ્ન રસિલાબેન સાથે થયા હતા. તેમની પુત્રી નેહાનો જન્મ ૧૯૭૪માં અને પુત્ર નિરજનો જન્મ ૧૯૭૫માં થયો હતો.

30/04/2020

*અમરેલીનો અણચાખ્યો કવિ*

આજે એક એવા કવિની વાત કરવી છે , જેની કવિતા હજુ સુધી કોઈ પણ સામયિકમાં સંગ્રહમાં પ્રસિદ્ધ નથી થઈ, કે કવિએ એ માટે ક્યારેય ઈચ્છા વ્યક્ત નથી કરી કે પ્રયત્નો નથી કર્યા !
હા, સાહિત્યસર્જનનો જે મૂળ હેતુ છે કે નિજાનંદ માટે લખવું અને પછીથી એ પ્રસિદ્ધિના કોઈ પણ ભાવ વગર વહેંચી દેવું. કવિએ આ ધર્મ પિછાણ્યો છે અને નિભાવી જાણ્યો છે.
અમરેલી જિલ્લાનું આ રતન હાલમાં લીલીયા તાલુકાના ક્રાંકચ ખાતે માધ્યમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે, અને એક સુંદર અને સુઘડ વ્યક્તિત્વનું આચરણ આજીવન કર્યું છે. ક્રાંકચ બોલવામાં અને લખવામાં જેટલું અઘરું છે તેનાથી વિપરીત આ કવિનું હૃદય પામવું એટલું જ સહેલું છે.
મારી વ્યક્તિગત રીતે એમની સાથે મુલાકાત 2 વખત થઈ, માણાવદર ખાતે અમોએ શૈક્ષણિક અને સાહિત્યિક શિબિરનું આયોજન કરેલું ત્યારે સહજ ભાવે તેમણે આમંત્રણ સ્વીકારેલું અને શ્રોતાઓને તેમના કાવ્યોનું રસપાન કરાવેલું. ત્યાર બાદ મારા પિતાજીના અવસાન વખતે અમરેલી જિલ્લાના કવિવૃંદ સાથે મળવાનું થયું ત્યારે.
અલબત્ત, આટલી વિસ્તૃત ઓળખાણ આપવાનો હેતુ કવિની પ્રશસ્તિના ગુણગાન ગાવા હરગીજ નથી, પણ કવિને સમજ્યા પછી કવિતાને સમજવી ઘણી સરળ થતી હોય છે. !

*શ્રી મુકેશ દવે* સાહિત્ય જગતમાં આમ જાણીતું અને આમ અણચાખ્યું નામ છે. આજે તેમની કવિતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.

કવિએ તેમના કાવ્યોના માધ્યમ દ્વારા જીવાતા જીવનના દ્રશ્યોનું, માનવમનની અવ્યક્ત થયેલ સંવેદનાઓનું માત્ર નિરૂપણ જ નથી કર્યું પણ તેમને ઉજાગર પણ કર્યા છે. કવિની દ્રષ્ટિ ખૂબ તીક્ષ્ણ હોય છે, તે એવું બધું જોઈ લે છે જે સામાન્ય રીતે લોકો નથી જોઈ શકતા. સ્થૂળથી સૂક્ષ્મ સુધી તે ફરી વળે છે. કવિની દ્રષ્ટિ પાતાળમાંના પાણીથી લઈને ગગનની ગેલેક્સી સુધી હોય છે અને તેમાં ઉમેરાય છે સંવેદનાઓ. એટલે જે ભાવચિત્ર રજૂ થાય એ વાંચકોને આંખ સમક્ષ દેખાય છે.
આ કવિનો પણ વિષયવૈવિધ્ય વિશાળ રહ્યો છે. પ્રકૃતિની સુંદરતાનું વર્ણન હોય, પ્રેમને વ્યક્ત કરવાની મીઠી મૂંઝવણ હોય, ફાટફાટ થતાં જોબનિયા ને કવિએ શબ્દદેહ આપવો હોય કે જીવાતા જીવનમાં વિપરીત પરિસ્થિતિ કે દારુણ ગરીબીની વાત હોય, કવિની કલમ એ જ પ્રવાહિતાથી આગળ વધે છે. આંતરિક ભાવોને બહાર લાવવામાં કવિની કુશળતા પણ સાથે પ્રગટ થાય છે. ભક્તિ ગીત હોય કે અછાંદસ કાવ્ય , ગઝલ હોય કે ગીત તમામ સ્વરૂપોમાં માત્ર બીબાઢાળ સર્જન નહિ પણ કવિની ખુમારી , મૌલિકતા અને આત્મસૂઝના દર્શન થયાં વિના રહેતા નથી.

કવિ એટલે જ આ રીતે વ્યક્ત થાય છે.
*વીંખી - ફેંદી હૈયાસ્પર્શ્યું લોકલોકનું જીવતર*
*દલડે દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર*

તો વળી , ક્યાંક કવિ આત્મશ્લાધાના ભાવ વગર પોતાનો પરિચય આમ આપે છે.
*હું જોમવંતી ગઝલ ને હું રસભર્યું ગીત છું.*
*ને અછાંદસમાં પ્રગટતું તાલબદ્ધ સંગીત છું.*

શબ્દચિત્રોમાં કવિએ પોતાની કલા અને જીવ રેડી દઈને એમને માત્ર ચિત્રો જ ન રહેવા દેતાં કાગળ પરથી ઉતરીને નજર સામેથી પસાર થતાં બતાવ્યા છે.

*બોખા મોં એ ચગળાતું આ ગળચટટું જોબન*
*ઓરડાનું અંધારું ઓઢી છૂટું મેલ્યું ધન*
*બારસાખના તોરણ સઘળાં ફૂલો થઈને ખીલે*
*બચલી ડોશી સો વરસની તોય હજૂએ જીવે*

અન્ય એક કાવ્યમાં

*પાનના ગલ્લા પર ઢાળેલાં બાંકડે*
*ગુટખા ને ફાકી ગોઠવાયા*
*ટીવીમાં ગુંજતા નાચતા એ ગીતમાં*
*હવાતીયાં મારે ભૂરાયા*
*છલકતું બેડું એક નીકળ્યું ન નીકળ્યું ને*
*બાંકડો થયો તાતા થૈ*
*મૂઈ નજરુંને લગીરે શરમ આવી નૈ*

કવિ માનવમનમાં ડોકિયું કરવાની ક્ષમતા ધરાવે છે , તો સાથે સાથે વિશ્વની લટાર લગાવી પોતાને થયેલા સારા નરસા અનુભવોને પોતાના પર સવાર થયા દીધા વગર પોતાના ધર્મને બરાબર પીછાણે છે.
*આપણે કવિઓ , એક વહેતી નદી*
*કવિતા આપણું નીર, નિર્મળતા આપણું ખમીર*

અને ક્યારેક તો સંસારની આ બધી દોડધામ અને ભાગદોડને ત્યજી ઘરે જવાની વાત કેવી સરળ રીતે કરે છે.

*ચાલો મૂકીએ આ જંજાળ, ઘર ભણી જઈએ*
*કોઈ તો રાખે છે સંભાળ, ઘર ભણી જઈએ*

અહીં કોઈ તો રાખે છે સંભાળ શબ્દપ્રયોગ પણ માર્મિક ટકોર સ્વરૂપે પ્રયોજાયો છે. કે જ્યારે જગત સ્વાર્થી બનીને માત્ર ઉપયોગ કરવામાં માનતું હોય ત્યારે આ વિશ્વમાં એક તો એવું જણ છે જે ઘરે રાહ જુએ છે.

*પ્રતીક્ષામાં ઊભું બારણું, સ્મિત વેરી આંગણે*
*કેવા રાખીને ખુલ્લા વાળ, ઘર ભણી જઈએ*

પ્રેમને આ કવિ કેટલી સરળ રીતે કવિતાઓમાં ઝીલે છે. જૂઓ

*રોટલો વાસી હો તોય મીઠો હશે*
*માતના હાથમાં તાંસળી હોય છે*

તો વળી,

*વૃક્ષો સઘળાં માનો ખોળો*
*કલરવને સંભાળી બેઠાં*

તો વળી, ક્યાંક

*આંખમાં એવું શું ખટકે ?*
*હૈયું આખેઆખું બટકે !*

ગઝલમાં ટૂંકી બહેરમાં પણ કવિ કેટકેટલું કહી દે છે.

કવિની આ શબ્દયાત્રા માત્ર સ્થૂળ બનીને રહી જતી નથી , પરંતુ એ વિશ્વયાત્રાએ નીકળેલા પ્રવાસીની યાત્રા બની રહે છે. આપણે ક્રમશ: આ યાત્રાને પુસ્તક પરબ માણાવદરના પ્લેટફોર્મ પર માણીશું. કવિની જ એક પંક્તિ દ્વારા વિરામ લઈએ.

*મારું તારું સૌનું તારણ હોય છે*
*જન્મ એ મૃત્યુનું કારણ હોય છે*

*ઈમ્તિયાઝ કે કાઝી*
*માણાવદર.*

Address

Shalimar Chamber. Opp Divya Bhasker Office, Cinema Road. Manavadar
Manavadar
362630

Opening Hours

9am - 11am

Telephone

+918238062623

Website

Alerts

Be the first to know and let us send you an email when Pustak PARAB Manavadar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pustak PARAB Manavadar:

Share

Category